સૌરાષ્ટ્રમાં જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર (સિદ્ધ સ્થળ) મુકામે શ્રી જગતજનની જગદંબા સ્વરૂપ શ્રી ઉમિયા માતાજી બિરાજે છે.
આજથી લગભગ ૧૨૦ વર્ષ પહેલાની વાત છે. કુતિયાણા તાલુકાનાં દેવડા ગામમાં શ્રી રત્નાભાઈ ભીમજીભાઈ કણસાગરા રહેતા હતા. નાનપણથી જ રત્નાભાઈ નું મન ભક્તિ તરફ હતું. માં ઉમિયામાં અપાર શ્રદ્ધા. સ્વભાવે બહુ ભલા,ભોળા અને ભાવિક. મજુરી કરીને નિર્વાહ ચલાવતા, છતા સાધુ સંતોની સેવા-અભિયાગત ને ભોજન, દીન દુઃખિયાને મદદ કરતા. શ્રી રત્નાભાઈનું જીવન ઉમામય બની ગયું. માં ની આરાધના સેવામાં જીવન વ્યતિત કરતા રત્નાભાઈને ગામજનો ભગતબાપાના નામથી સંબોધવા લાગ્યા.
એક વખત રત્નાબાપાને સ્વપનમાં શ્રી ઉમિયા માતાજીએ દર્શન દીધા. માં કહ્યું કે, હું સિદસર ગામે વેણુ નદીના તીરે કેરાળાના ટીંબાથી પ્રસિદ્ધ છે, એ સ્થાને ભૂમિગત છું. કંકુનું મંગલ ચિહ્ન હોય ત્યાં જમીનનું ખોદકામ કરાવજે. મારું મૂર્તિ સ્વરૂપ પ્રગટ થશે. સવાર થતાં રત્નાબાપાએ ગામજનોને સ્વપ્નની વાત કરી. સૌ કોઈ ભગતબાપા કહે તેમ કરવા તૈયાર થયા. સિદસર (સિદ્ધ સ્થળ) આવી ભૂમિમાં ખોદકામ કરતા આરસની શિલા નીચેથી માના અદભૂત અને દિવ્ય સ્વરૂપનું પ્રાગટ્ય થયું.આ મંગલ દિવસ તો, સવંત ૧૯૫૪ ભાદ્રપદ પૂર્ણિમાં તા. ૧૯-૯-૧૮૯૯ મંગળવાર. ભાવિકો દેવી ઉમિયાજીનો જય જયકાર કરવા લાગ્યા. ચારે કોર આનંદ… આનંદ… છવાયો. ભગવતીનું મૂર્તિ સ્વરૂપ બહુ જ સુંદર છે. આરસની દિવ્ય મૂર્તિ અઢી ફૂટ ઊંચી છે. ચાર ભુજા છે. દરેક ભુજામાં બેરખો, લોટો, શિવલીંગ અને માળા છે. કપાળમાં ચાંદલો છે. કાનમાં કુંડળ છે. હાથમાં કંગન પહેરેલા છે. અને પગમાં તોળા પહેર્યા છે.માથે મુગટ પહેરેલ છે. માથે લાલ ચુંદડી ઓઢી છે.કમર પર પટ્ટો છે.
મૂર્તિ પ્રાગટ્યની વાત સમસ્ત પ્રદેશમાં ફેલાઈ ગઈ. ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા. ઊંઝાવાળા માં ઉમિયાનું પ્રાગટ્ય સિદસરમાં થયું છે, એવી જાણ એ વખતના ગોંડલના રાજવી મહારાજા શ્રી ભગવતસિંહજીને થઈ. (એ વખતે સિદસર ગોંડલ સ્ટેટનું ગામ હતું) મહારાજા શ્રી ભગવતસિંહજી પણ શિવભક્ત હતા. તેમણે ઉમિયાજીની ભવ્ય-તેજસ્વી-સ્વયંભૂ મૂર્તિને ગોંડલના આશાપુરા મંદિર,કેલાસબાગમાં પધરાવી ત્યાં પ્રસ્થાપિત કરવાનું નક્કી કર્યું. માં ઉમિયાની મૂર્તિને ગોંડલ લઈ ગયા. પરંતુ બાપુને સ્વપનમાં માતાજીએ કહ્યું કે મારી પ્રતિષ્ઠા સિદસર ગામમાં થશે. સવારે જ મહારાજા તરફથી માતાજીની મૂર્તિ પરત સોંપવામાં આવી. આ વિગત ગોંડલ સ્ટેટના રેકોર્ડ ઉપર છે. માં ભગવતી ઉમિયાજીની મૂર્તિ સિદસર પધરાવવામાં પાછી સોંપતા સૌ ભાવિકોના હર્ષનો પાર રહ્યો નહિ. સિદસર ગામના લોકોએ સાથે મળી ગામમાં માતાજી ફળીમાં મકાનનું બાંધકામ કરી આપેલ. નાના એવા ઘરમાં માં નું સ્થાપન કરવામાં આવ્યું. શ્રી રત્નાબાપા માતાજીની સેવા પુજા કરતા.
આમ આજથી ૧૨૦ વર્ષ પહેલા વેણુ નદી પટમાંથી પ્રાગટ્ય થયેલ જગતજનની મોં ઉમિયાની સ્વયંભૂ પ્રગટ થયેલ મૂર્તિ આજે ઉમિયાધામ-સિદસરના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે. સમગ્ર સૌરાષ્ટૂના કડવા પાટીદારો તથા અન્ય સર્વે ભાવિકજનો આસ્થા શ્રદ્ધા અને ભક્તિથી માંના દર્શનાર્થે પધારે છે અને ધન્યતા અનુભવે છે.
બોલો… શ્રી ઉમિયા માત કી… જય…
ઉમિયાધામ સિદસર ખાતે પવિત્ર વેણુ નદી બે કાંઠે વહી રહી છે. નયન રમ્ય સુંદર આલેચ પર્વતમાળાની ગોદમાં માં ઉમિયાનું દિવ્ય-ભવ્ય મંદિર શોભાયમાન થઈ રહ્યું છે. આજથી આશરે ૧૨૦ વર્ષ પહેલા વેણુ નદીના પટમાંથી તેજોમય મૂર્તિ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયેલા માં ઉમિયા ૮૫ વર્ષ સુધી સિદસર ગામના માતાજી ફળીમાં એક નાના મકાનમાં બિરાજમાન હતા. ગામના ખેડૂતો, યુવાનો, વેપારીઓને નવું મંદિર બનાવવાની પ્રેરણા થઈ.નવા મંદિર બનાવવા મિટિંગનું આયોજન થયું. એ સમયે પાટીદાર પાસે રૂપિયા તો હતા નહિ. સૌએ સાથે બેસીને નક્કી કર્યું કે વીઘા દીઠ એક-બે કિલો મગફળી આપવી. આ રીતે ફાળાની શરૂઆત થઈ. ધીમે ધીમે રકમ ભેગી થતી ગઈ. સન ૧૯૦૮માં શ્રી ઉમિયા માતાજી મંદિર ટૂસ્ટ – સિદસર નામનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું.
નવા મંદિરના બાંધકામ માટે જમીનની ખરીદી કરવા શ્રી બાવનજીભાઈ નથુભાઈ કનેરિયા-જામસખપુર તરફથી સૌ પ્રથમ રૂ. ૧૦,૦૦૦/- મળેલ. આ રકમમાંથી હાલ જ્યાં મંદિરનું બાંધકામ કરેલ છે તે જગ્યાના પ્લોટ ખરીદ કરવામાં આવ્યા. ત્યારબાદ મંદિર બાંધકામ માટે ફાળાની શરૂઆત કરી. ગામના વડિલો ‘ગામડે-ગામડે ફાળા માટે જતાં, દરેક ગામેથી બહુ સારો સહકાર મળ્યો. પ્લોટનો પાયો વિક્રમ સવંત ૨૦૩૪ આસો વદી અમાસના રોજ કર્યો.મંદિરના પાયાનું ખાત મુહર્ત તા. ૧૫-૧-૧૯૮૦ ના રોજ કર્યું. સિદસર ‘ગામના આગેવાનો, યુવાનોના શ્રમદાનથી મંદિરનું બાંધકામ ચાલું કરવામાં આવ્યું.
માં ઉમિયાની અસીમ કૃપા તથા પ્રેરણાથી જામનગરથી શ્રી મોહનભાઈ નરશીભાઈ માકડિયા, શ્રી રવજીભાઈ ધનજીભાઈ માકડિયા તથા અન્ય આગેવાનો સિદસર આવ્યા. શ્રી રવજીભાઈ વાલજીભાઈ કડીવાર- જામજોધપુર, શ્રી બચુભાઈ કાલરિયા-જામનગર તથા અન્ય આગેવાનો તથા દાતાશ્રીઓનો સહકાર મળ્યો. શ્રી પ્રેમજીભાઈ ફળદુ-તરસાઈ, શ્રી પ્રેમજીભાઈ ભાલોડિયા-મોરઝર, શ્રી વાલજીભાઈ ભડાણિયા-વાલાસણ વગેરે પણ ટીમમાં જોડાયાં. વધુ ફાળાની જવાબદારી આ ટીમે સંભાળી.
આજના વિશાળ મંદિરના પ્લાન, નકશા તૈયાર થયા. સૌનો ઉત્સાહ વધ્યો. સિદસર ગામના આગેવાનો, યુવાનોની ટીમનો ફાળો સવિશેષ રહ્યો. આજુબાજુનાં ગામો-વિસ્તારનું પણ મહત્વનું યોગદાન રહ્યું.
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અને બહાર વસતા સૌરાષ્ટ્રવાસી પાટીદાર પરિવારો સહિત સૌનો સુંદર સહયોગ મળ્યો. આ રીતે આજના ભવ્ય દિવ્ય વિશાળ મંદિરનું નિર્માણ થયું.